વરસાદથી વાહનોમાં મોટું નુકસાન:અમદાવાદમાં ગાડીઓ રિપેર કરવા માટે 15 દિવસનું વેઈટિંગ, કારમાં 3 હજારથી એક લાખ સુધીનો ખર્ચ
અમદાવાદમાં વરસેલા ભારે વરસાદને કારણે ગાડીઓ અને ટુવ્હિલરોને મોટું નુકસાન થયું છે. ત્યારે શહેરમાં ખાનગી ગેરેજ અને કંપનીના સર્વિસ સેન્ટરો જાણે પાર્કિંગ સ્ટેન્ડ બની ગયાં હોય એ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. વાહનોને વરસાદમાં ભારે નુકસાન થતાં વાહન રીપેર કરવાના સર્વિસ સેન્ટરો પર વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે. શહેરમાં સ્થિતિ એવી છે કે કેટલાક વાહન ચાલકો માટે તો આખા મહિનાનો પગાર કે કમાણીનો મોટા ભાગનો હિસ્સો વાહનના રીપેરીંગ પાછળ ખર્ચાઈ જશે.કારણ કે હાલ સર્વિસ સેન્ટર ઉપર આવી રહેલી ગાડીઓ રૂપિયા 3 હજારથી લઈને 1 લાખથી વધારે સુધીનો ખર્ચ માંગી લે તેવી સ્થિતિમાં છે.
મોઘીંદાટ ગાડીઓને મોટાપાયે નુકસાન થયું
અમદાવાદમાં ભારે વરસાદ બાદ બાઇક અને કાર સર્વિસ સેન્ટરો પર વાહન ચાલકો પોતાના વાહન રિપેર કરવા માટે પહોંચી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં કેટલીય સોસાયટીના બેઝમેન્ટમાં પણ ઘૂસી ગયા હતા. જેના કારણે મોઘીંદાટ ગાડીઓને મોટાપાયે નુકસાન થયું છે. આ ગાડીઓ રીપેરીંગ માટે મોટો ખર્ચ માંગી લે એમ છે. પ્રહલાદનગરના પ્રેરણાતિર્થ પાસે ઓટો ગેરેજ ધરાવતા ભાવિન ભાઈ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે સામાન્ય દિવસોમાં ત્રણથી ચાર જેટલી ગાડીઓ રીપેરીંગ માટે આવતી હોય છે. પરંતુ છેલ્લા બે દિવસથી દિવસથી 40-50 ગાડીઓ રીપેરીંગ માટે આવી રહી છે. ગાડીની સ્થિતિ એવી છે કે તેમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાથી 5-7 ગાડીઓ જ સર્વિસ થાય છે.
ગેરેજ અને વર્કશોપમાં કામનું ભારણ વધ્યું
સર્વિસ સેન્ટર ધરાવતા સંચાલકોને દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાહન ધારકો પોતાના ઘરે જ સર્વિસ માટે ફોન કરી રહ્યાં છે. પરંતુ તેમના સેન્ટર પર જ કામનું ભારણ હોવાથી તેમના માટે પહોંચી વળવું અશક્ય છે. ખાનગી ગેરેજ સેન્ટર ઉપર ગાડી રિપેર કરવા માટે 10થી 15 દિવસ જેટલું વેઇટિંગ ચાલી રહ્યું છે. સર્વિસ સેન્ટર પર આવી રહેલા વાહનોમાં ગાડીનું ટોટલ લોસ, લોક થઈ જવી, એન્જિન ફેઇલ થઈ જવા, ECM ફેઇલ થઈ જવી, વાયરીંગમાં ડેમેજ વગેરે પ્રકારની ફરિયાદો લઈ વાહન રીપેરીંગ કરાવવા લોકો આવી રહ્યા છે.
સર્વિસ સેન્ટરો પર પણ વાહનોની કતાર
બીજી તરફ કંપનીના સર્વિસ સેન્ટરો પર પણ વાહનોની કતાર લાગેલી જોવા મળી રહી છે. જોધપુર વિસ્તારના શિવાલિક હ્યુન્ડાઈના સર્વિસ હેડ પ્રણવ ઓઝાએ દિવ્યભાસ્કર સાથે વાત કરતા કહ્યું કે બે દિવસથી દૈનિક 35 જેટલી ગાડીઓ આવી રહી છે. સામાન્ય દિવસોમાં જે વાહનો આવે છે, તેના કરતાં આ વાહનોમાં પાણીની સમસ્યાના કારણે વધારે નુકસાન થયેલ જોવા મળી રહ્યું છે. કામનું ભારણ વધ્યું છે, જેથી વર્કશોપની ક્ષમતા પ્રમાણે જ તબક્કા વાર ગાડીઓ સર્વિસ માટે લેવામાં આવી રહી છે.
દૈનિક 50-60 બાઇક રીપેરીંગ માટે આવી રહી છે
માત્ર ફોર વ્હીલર્સ નહી પરંતુ ટુ વ્હીલર સર્વિસ સેન્ટર ઉપર પણ બાઈક અને સ્કુટી મોટા પ્રમાણમાં સર્વિસ માટે આવી રહી છે. છેલ્લા 3 દિવસથી વહેલી સવારમાં જ લોકોના ફોન આવી રહ્યા છે અને બાઇક ઘરે જ રિપેર કરવા બોલાવે છે, પણ સમય અને કામનું ભારણ વધારે હોવાથી તે શક્ય નથી બની રહ્યું. વેજલપુર વિસ્તારમાં સર્વિસ સેન્ટર ધરાવતા વિક્રમ ભાઈનું કહેવું છે કે સામાન્ય દિવસોમાં 5-7 જેટલી ગાડીઓ આવતી, જેની સરખામણીએ બે દિવસમાં દૈનિક 50-60 બાઇક રીપેરીંગ માટે આવી રહી છે.
Post a Comment