48 વર્ષ પછી ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ બનાવ્યો:પહેલી વખત ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું, બુમરાહે લીધી 6 વિકેટ; રોહિત-ધવને પણ કરી ફટકાબાજી
ટીમ ઈન્ડિયાએ 3 વનડે મેચની સીરીઝના પહેલા મુકાબલામાં ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું. 48 વર્ષમાં આ પહેલી વખત છે કે જ્યારે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 10 વિકેટથી હરાવ્યું છે. ભારતે અંગ્રેજ વિરૂદ્ધ 1974માં પહેલી વખત વનડે મુકાબલો રમ્યા હતા. 110 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમમાં સૌથી વધુ રન કેપ્ટન રોહિત શર્માએ બનાવ્યા.
જસપ્રીત બુમરાહે (19/6) કરિયર બેસ્ટ પરફોર્મન્સના કારણે ટીમ ઈન્ડિયાએ ત્રણ વનડે મેચની સીરીઝના પહેલા મુકાબલામાં ઈંગ્લેન્ડને 25.2 ઓવરમાં 110 રને ઓલઆઉટ કરી દીધા.આ ઈંગ્લેન્ડનો ભારત વિરૂદ્ધ અત્યારસુધીનો સૌથી ઓછો સ્કોર છે. બુમરાહ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ એક દિવસીય મેચમાં સૌથી ઉત્કૃષ્ટ બોલિંગ કરનાર ભારતીય બોલર પણ બની ગયો. તેને આશીષ નેહરાનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો. 2003ના વર્લ્ડ કપમાં નેહરાએ ઈંગ્લેન્ડ વિરૂદ્ધ 23 રન આપીને 6 વિકેટ લીધી હતી.ભારતના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બુમરાહ ઉપરાંત મોહમ્મદ શમીએ પણ શાનદાર બોલિંગ કરતા 3 વિકેટ લીધી. ભારતે ઈંગ્લેન્ડની 5 વિકેટ 10 ઓવરમાં જ પાડી દીધી હતી. 2004 પછી આ કારનામો પહેલી વખત ટીમ ઈન્ડિયાના બોલર્સે દેખાડ્યું. આ પહેલાં દામ્બુલામાં UAE વિરૂદ્ધ ભારતે 10 ઓવરમાં 5 વિકેટ લીધી હતી.
જવાબમાં ભારતે 18.4 ઓવરમાં 114 રન બનાવીને મેચ જીતી. રોહિત શર્માએ 58 બોલમાં સૌથી વધુ 76 રન બનાવીને નોટઆઉટ રહ્યો. શિખર ધવને 54 બોલમાં 31 રનની ઈનિંગ રમી. રોહિતે પોતાની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. તેની સ્ટ્રાઈક રેટ 131ની હતી.
બીજી વખત તમામ 10 વિકેટ ફાસ્ટ બોલર્સના નામે
ભારત તરફથી તમામ 10 વિકેટ ફાસ્ટ બોલર્સે લીધી. વનડે ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાએ માત્ર બીજી વખત એવું થયું જ્યારે તમામ 10 વિકેટ ફાસ્ટ બોલર્સને મળી. આ પહેલાં 2014માં બાંગ્લાદેશ વિરૂદ્ધ મીરપુર વનડેમાં આવું થયું હતું. ત્યારે સ્ટુઅર્ટ બિન્નીએ 6 અને મોહિત શર્માએ 4 વિકેટ લીધી હતી.
બુમરાહ-શમીની ઘાતક બોલિંગ
ઇંગ્લેન્ડને જસપ્રીત બુમરાહ એ શરૂઆતી ઝાટકા આપ્યા હતા. તેણે પોતાની પહેલી ઓવરમાં જ ઇંગ્લેન્ડના બે બેટ્સમેનને પેવેલિયન મોકલ્યા હતા. પહેલા જસપ્રીતે જેસન રોયને બોલ્ડ કર્યો. તે પછી નંબર-3 પર બેટિંગ કરવા આવેલા જો રૂટને પોતાનો શિકાર બનાવ્યો હતો. તે પોતાનું ખાતું પણ ખોલી ન શક્યો અને ઋષભ પંતને કેચ આપી બેઠો. બંને આઉટ થયા બાદ બેન સ્ટોક્સ મેદાન પર ઉતર્યો, પરંતુ મોહમ્મદ શમીએ તેને પણ પેવેલિયન પરત મોકલ્યો હતો. સ્ટોક્સ પણ શૂન્ય રનમાં આઉટ થયો.
ત્રણેય ખેલાડી આઉટ થયા બાદ એવું લાગી રહ્યું હતું જોની બેયરસ્ટો ઇંગ્લેન્ડની ઈનિંગ સંભાળી લેશે. તેણે 20 બોલ પણ રમ્યા, પરંતુ બુમરાહની સામે તે કંઈ ખાસ ન કરી શક્યો અને અંતે પંતને કેચ આપી બેઠો. બેયરસ્ટો 7 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો. લિયામ લિવિંગસ્ટોન પણ શૂન્ય રને બુમરાહનો શિકાર બનીને પેવેલિયન ભેગો થયો હતો. મોઈન અલી 14 રન કરી પ્રસિદ્ધ કૃષ્ણાનો શિકાર બન્યો હતો. કેપ્ટન જોસ બટલર પણ 32 બોલમાં 30 રન કરીને શમીની બોલિંગમાં આઉટ થયો હતો. શમીએ ઓવરટનને આઉટ કરીને ત્રીજી વિકેટ ઝડપી હતી. ડેવિડ વિલી અને બ્રાઈડન કાર્સ, બન્ને બેટ્સમેનો થોડી લડત આપે એની પહેલા બુમરાહ એ બ્રાઈડન કાર્સને આઉટ કરીને પાંચમી વિકેટ ઝડપી હતી. અને છેલ્લે ડેવિડ વિલીને આઉટ કરીને બુમરાહ એ ઇંગ્લેન્ડની ઈનિંગની ઔપચારિક્તા પૂર્ણ કરી હતી. ઇંગ્લેન્ડ 25.2 ઓવરમાં 110 રનમાં ઓલ આઉટ થઈ ગયું. બુમરાહ એ 6 વિકેટ ઝડપી હતી. શમીએ 3 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 વિકેટ લીધી હતી.
વિરાટ કોહલી ઈજાને કારણે પહેલી મેચ નહીં રમી શકે. તેની જગ્યાએ શ્રેયસ અય્યર નંબર-3 પર બેટિંગ કરશે. તો શિખર ધવન રોહિતની સાથે ઓપનિંગ કરવા ઉતરશે.
બંને ટીમ વચ્ચે પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડયા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા અને યુજવેન્દ્ર ચહલ.
ઈંગ્લેન્ડઃ જેસન રોય, જોની બેયરસ્ટો, જો રુટ, લિયામ લિવિંગસ્ટોન, બેન સ્ટોક્સ, જોસ બટલર (કેપ્ટન), મોઈન અલી, ડેવિડ વિલી, બ્રાઈડન કાર્સ, મેટ પારકિંસન અને રીસે ટોપલી.
મેચનો લાઈવ સ્કોર જોવા અહીં ક્લિક કરો
ટી-20માં ભારતે ઘણી આક્રમક બેટિંગની સ્ટ્રેટેજી અપનાવી હતી. વનડેમાં પણ આ સ્ટ્રેટેજીને યથાવત રાખવામાં આવી શકે છે.
2014માં ભારતે ઈંગ્લેન્ડમાં જીતી હતી છેલ્લી સીરીઝ
વનડે ક્રિકેટમાં ભારતની પાસે ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ઈંગ્લેન્ડમાં 8 વર્ષ પછી સીરીઝ જીતવાનો મોકો છે. છેલ્લી વખતે 2014માં ટીમ ઈન્ડિયાએ અહીં વનડે સીરીઝ પર કબજો કર્યો હતો. ત્યારે શ્રેણી 3-1થી ભારતના નામે રહી હતી. જે બાદ 2018માં ત્રણ મેચની સીરીઝમાં આપણી ટીમ 1-2થી હાર્યું હતું. 2019ના વર્લ્ડ કપ અંતર્ગત પણ બંને ટીમ વચ્ચે 1 મેચ રમાઈ હતી. જેમાં પણ ઈંગ્લેન્ડે જીત મેળવી હતી.
નંબર ગેમ
- 2019નો વર્લ્ડ કપ પૂરો થયાં બાદ ઈંગ્લેન્ડની ટીમ 21 વનડે મેચ જ રમી છે. બંને ટીમમાં આ દરમિયાન ઈંગ્લેન્ડથી ઓછા વનડે પાકિસ્તાન (17) અને ન્યૂઝીલેન્ડ (11)એ રમ્યા છે. ટીમ ઈન્ડિયાએ 27 વનડે મેચ રમ્યા છે.
- 2019ના વર્લ્ડ કપ પછી બેન સ્ટોક્સ 6 વનડે મેચ જ રમી શક્યો છે. ફાઈનલમાં તે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો હતો.
- 1 જ સેન્ચુરી લાગી છે વનડેમાં ભારત તરફથી, કોરોના મહામારીની શરૂઆત (જૂન 2020થી) પછી વનડે ક્રિકેટમાં ભારત તરફથી 1 જ વનડે સેન્ચુરી ફટકારવામાં આવી છે. તો ભારત વિરૂદ્ધ 7 સેન્ચુરી ફટકારવામાં આવી છે.

Post a Comment