અનોખી પહેલથી કરી લગ્નજીવનની શરૂઆત, બારાતમાં ઘોડાગાડીની જગ્યાએ યુનિક રીતે એન્ટ્રી મારી

 જ્યારથી સોશિયલ મીડિયા અસ્તિત્વમાં આવ્યું છે ત્યારથી ઈન્ટરનેટ પર તમને એક થી એક ચડિયાતાં વીડિયો જોવા મળી રહે છે કે જેની તમે કલ્પના પણ કરી ના હોય. લગ્ન સાથે જોડાયેલાં અનેક વાઈરલ વીડિયોઝ તમે જોયાં હશે ત્યારે આજે પણ લગ્ન સાથે જોડાયેલો એક અનોખો વીડિયો લાવ્યાં છીએ. એક અનોખાં વિચાર સાથે વરરાજા ઘોડાગાડીને બદલે પોતાનાં ભાઈઓનાં ખભા પર બેસીને તેના લગ્નમાં આવ્યો. તેની પત્નીનું માનવું એવું હતું કે, પોતાના સ્વાર્થ માટે પશુઓનો ઉપયોગ કરવો એ ખોટી વાત છે અને આ વાતને સમર્થન આપતાં તેણે પોતાના લગ્નમાં એક અનોખી પહેલ કરી. તેની આ અનોખી પહેલથી લોકો પ્રભાવિત પણ થયા હતાં અને પોતાનાં પ્રતિભાવો કોમેન્ટ બોક્સમાં આપ્યા હતાં.

આ વીડિયોને furry_angels16 ઈન્સ્ટાગ્રામ પેજ પર સાત દિવસ પહેલાં પોસ્ટ કરવામાં આવ્યો હતો અને તેને અત્યાર સુધીમાં 1.37 લાખથી પણ વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. પત્નીનો પતિ પાસે એવો આગ્રહ હતો, કે તેનાં લગ્ન દરમિયાન તે ઘોડા પર બેસીને નહિ આવે અને તેનાં આ નિર્ણયને સમર્થન આપતાં પતિ તેનાં ભાઈઓના ખભા પર બેસી બારાત લઈ તેના ઘરે આવ્યો હતો. આ ઉપરાંત તેમણે લગ્ન પછી પ્રાણીઓને ખવડાવવાનું વચન પણ આપ્યું હતું, જે પણ તેણે પાળ્યું.

તે કહે છે, ‘મેં હંમેશાં એવાં લગ્નની કલ્પના કરી છે કે જેમાં કોઈ પ્રાણીને નુકસાન ન થાય. મેં લગ્નોમાં જોયું છે કે, પશુ સાથે કેટલું ખરાબ વર્તન કરવામાં આવે છે અને કેટલીકવાર તેમને મનોરંજન અને નૃત્ય કરાવવા માટે દારૂનું સેવન પણ લોકો કરાવે છે. મેં હંમેશાં આવી ઘટનાઓનો વિરોધ કર્યો છે અને હંમેશાં પ્રાર્થના કરી છે કે મારા લગ્નમાં, હું કોઈપણ પ્રાણીનો ઉપયોગ કરીશ નહીં અને અમે અમારાં લગ્ન પછી તેમને ખવડાવીશું.

વધુમાં તે કહે છે કે, ‘મારાં પતિએ મને વચન આપ્યું હતું કે, તે તેના પરિવારને મનાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે અને તેણે સફળતાપૂર્વક કર્યું. અમે કોરોનાકાળમાં લગ્ન કર્યા હતાં. જ્યારે હું આજે એ યાદો તરફ નજર કરું છું, ત્યારે મને આનંદ થાય છે. દરેક વિધિ કરવામાં આવી હતી પરંતુ ઘોડા વિના. તે વીડિયોના કેપ્શનમાં સારી રીતે સમજાવવામાં આવ્યું છે.’

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે કમેન્ટ કરી હતી કે, ‘ભગવાન તમને બંનેને સુખી લગ્નજીવન આપે.’ એક મહિલાએ શેર કર્યું, ‘મારાં પતિએ પણ ઘોડાં પર બેસીને બારાત માટે આવવાની ના પાડી દીધી... તે કારમાં આવ્યો હતો.’ બીજા એક યુઝરે કમેન્ટ કરી કે, ‘શાનદાર! આ જોઈને આનંદ થયો.’